હવામાન@ગુજરાત: આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત

 
આગાહી
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે. આજે 24 જૂનના રોજ નર્મદા, સુરત, ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે ભરૂચ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, છોટાઉદેપુર, અને સૌરાષ્ટ્ર રિજનમાં રાજકોટ, જામનગર, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

25 જૂનના રોજ દાહોદથી છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. રવિવારે દ્વારકાના ખંભાળિયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો છે. ખંભાળિયા શહેરમાં રાત્રીના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ કરી હતી. અહીં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના નગર ગેટ , શોની બજાર,રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા.