હવામાન@ગુજરાત: આજે આ જીલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ ખાબક્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં 3.39 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના મેંદરડામાં 1.73 ઈંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.26 ઈંચ વરસાદ પડ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેની આગાહી છે.અનેક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગઈકાલે કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે 50 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. વાવાઝોડાની સંભાવનાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તાપી જિલ્લામાં બે કલાકમાં 16 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.