હવામાન@ગુજરાત: રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
દિલ્હી-NCRમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. દિલ્લી-NCR સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. સવારે કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને દિલ્લીના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, જેને લઈને નોકરી-ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. સવારથી મુંબઈના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના અનુમાન મુજબ, આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે. 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે. આગામી 48 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. 17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.