હવામાન@ગુજરાત: 12થી 15 સપ્ટેમ્બર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા

 
Havaman
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હાલ વરસાદની ઘટ વચ્ચે ફરી સારા વરસાદના એંધાણ વર્તાયા છે. ભાદરવા મહિનામાં મેઘરાજાની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે, જ્યારે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.અંબાલાલ પટેલની આગાહી મુજબ ગરમી અને ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.

12થી 15 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં મજબૂત હવામાન સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ દક્ષિણ તરફ આગળ વધતાં તેની અસર મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ સૌરાષ્ટ્ર પરથી અરબી સમુદ્ર તરફ જવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જો આ સિસ્ટમ પર અન્ય હવામાન પરિબળોની વિપરીત અસર નહીં થાય તો રાજ્યના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં.ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર વધી શકે છે.આગાહી મુજબ 18 સપ્ટેમ્બર આસપાસથી 23 સપ્ટેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ત્યારબાદ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે કે સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી ઓક્ટોબરની શરૂઆત સુધી રાજ્યમાં વારંવાર હવામાન પલટાઈ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 3 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર શરૂ થઈ શકે છે. 10 ઓક્ટોબર આસપાસ ફરી એક વખત હવામાન પલટાઈ શકે છે.

11થી 16 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું ક્ષેત્ર સર્જાવાની શક્યતા છે. 17 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર પણ વધી શકે છે. આગામી મહિનાઓમાં અરબી સમુદ્ર ધીમે ધીમે સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની લાંબા ગાળાની આગાહી મુજબ 3 ડિસેમ્બર 2026 સુધીના સમયગાળામાં ચક્રવાતી સિસ્ટમ ઊભી થવાની શક્યતા પણ રહેલી છે.હાલ ખેડૂતો અને સામાન્ય લોકો માટે 12થી 15 સપ્ટેમ્બરનો સમયગાળો ખાસ મહત્વનો બની શકે છે.