હવામાન@ગુજરાત: આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે આ અઠવાડિયે ફરી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય 8થી 13 તારીખ સુધીમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે.આગામી ત્રણથી ચાર દિવસ બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. બુધવારે (8 ઑક્ટોબર) અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
ભારે વરસાદના કારણે ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આવનારા ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. પરંતુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાવાથી થોડા દિવસ વરસાદી માહોલ રહેશે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગુ છે, જેના કારણે દરિયાકાંઠાના લોકો અને માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. ત્રણથી ચાર દિવસમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે છે.