હવામાન@ગુજરાત: આગામી 48 કલાક અતિભારે વરસાદની આગાહી! અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

 
વરસાદ
લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે આગામી સાત દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સોમવાર રાજ્ય માટે ખાસ કરીને ભારે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલીમાં આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ટૂંકા સમયગાળામાં ખૂબ જ વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ અને નાળાઓમાં જળસ્તર વધવા તેમજ સ્થાનિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

6 જુલાઈ દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની સંભાવના. યથાવર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

7 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

8 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે. જોકે વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા અને બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ અને ગાજવીજની શક્યતા રહેશે. 11 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.