હવામાન@ગુજરાત: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

 
હવામાન
 રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારો ઍલર્ટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જાહેર કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 28 અને 29 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભરુચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદની આશંકા છે.

માછીમારોને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. 28 ઓક્ટોબરે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા સંજોગો માટે તૈયારી રાખવાની સલાહ આપી છે. તેમજ અમદાવાદ, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.