હવામાન@ગુજરાત: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ, 34 તાલુકાઓમાં અઢી ઈંચ સુધીનો વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં

 
વરસાદ
 વધુ અઢી ઈંચ વરસાદ મોડાસા પંથકમાં પડ્યો 

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 100 કરતાં વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતનાં 34 જેટલા તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં આવી ગયા હતા. વરસાદની સાથે તેજ પવન ફુંકાતા કેટલાક વિસ્તારોમાં બાજરી સહિતનો ઉનાળુ પાક તૈયાર થઈ ગયો ત્યાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

આ દરમિયાન સૌથી વધુ અરવલ્લીના મોડાસા તાલુકામાં અઢી ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. એ સિવાય પાટણ અને મહેસાણામાં બે ઈંચ, ઊંઝા અને પોશીનામાં પોણા બે અને પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. રાત્રે 10 વાગ્યા બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. જેમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ મોડાસા પંથકમાં પડ્યો હતો. મેઘરજ તાલુકામાં પણ રાત્રિ દરમિયાન દોઢ ઈચ વરસાદ થયો હતો.

પાટણ તાલુકામાં બે ઈંચ અને સરસ્વતિ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. મહેસાણામાં પોણા બે ઈંચ, ઊંઝામાં પોણા બે ઈંચ, સિદ્ધપુર અને વિજાપુરમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. બનાસકાંઠાના પાલનપુર અને વડગામમાં દોઢ ઈંચ અને અમીરગઢમાં એક ઈંચ વરસાદ થયો હતો. સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ, હિંમતનગમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. ગાંધીનગરનાં માણસામાં 1 ઈંચ અને દહેગામમાં પોણો ઈંચ વરસાદ થયો હતો.