હવામાન@ગુજરાત: 24 કલાકમાં 47 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ચોમાસાની સિઝન હજુ પણ સક્રિય રહી છે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ગીર સોમનાથના ઉના તાલુકામાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. કુલ 47 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જેમાં કુલ બે જિલ્લામાં અઢી ઈંચ તો બે જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ઉના ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ અને પોરબંદરના રાણાવાવમાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ નવસારીના ખેરગામમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના ધરમપુર અને ભાવનગરના ગારિયાધારમાં 1.18 ઇંચ તથા ભરૂચના હંસોટમાં 1.14 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજ્યના અન્ય પ્રમુખ વિસ્તારોની વાત કરીએ તો, જામનગરના જામજોધપુરમાં 1.02 ઇંચ જૂનાગઢના કેશોદમાં 0.94 ઇંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં 0.83 ઇંચ વરસાદ નોંધાયો છે.

