હવામાન@ગુજરાત: રાજ્યમાં ફરી તૂટી પડશે આભ, અંબાલાલ પટેલની મોટી આગાહી

 
અંબાલાલ
ખાસ કરીને બનાસકાંઠામાં વરસાદ પડવાની શક્યતા 

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના હવામાનને અસર કરતી પાંચ સિસ્ટમો એક સાથે સક્રિય છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના ભાગોમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને બનાસકાંઠામાં વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય ગુજરાતના વડોદરા સહિતના વિસ્તારોમાં તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અહીં-ત્યાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેની અસર ગુજરાતના નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે અને વરસાદની શક્યતા વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.

હવામાન વિભાગે 14 ઓગસ્ટે ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ, ઉત્તરપૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન, ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ખરાબ હવામાનની શક્યતા છે. દક્ષિણપશ્ચિમ બંગાળ પર રચાયેલ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે અને ગંગા કિનારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધી શકે છે. તેની અસરોથી પૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ચોમાસુ ટ્રફ પણ સક્રિય છે અને તેની સામાન્ય સ્થિતિની આસપાસ રચાયું છે.17 થી 19 ઓગસ્ટ દરમિયાન મઘ નક્ષત્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ કૃષિ પાક માટે ફાયદાકારક ગણી શકાય. આગાહીમાં 23 થી 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં વરસાદ પડી શકે છે.

પોરબંદર, દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં અત્યાર સુધી નહિવત વરસાદ પડ્યો છે. 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ 12 સપ્ટેમ્બર પછી ભારે વરસાદ પડવાની શક્યતા છે, એમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.