રીપોર્ટ@ગુજરાત: મનસુખ વસાવાના આપ પર પ્રહાર, 'દેડિયાપાડામાં સંમેલન કરવાથી ચૈતર વસાવા છૂટશે નહી'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં હજુ જામીન મળ્યા નથી. હવે તેમના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દેડિયાપાડા આવી રહ્યા છે. આ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'દેડિયાપાડામાં આદિવાસી સંમેલન યોજવાથી ચૈતર વસાવા છૂટી જવાનો નથી.' આપના નેતાઓ પર પ્રહાર કરતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, દેડિયાપાડામાં આદિવાસી સંમેલન કરવાથી ચૈતર વસાવા છૂટી જવાનો નથી. એના માટે કેજરીવાલ અને ભગવત માને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવો જોઈએ.
આપના બંને નેતાઓને ભાન હોવું જોઈએ કે આ કેસ કોર્ટમાં ચાલે છે અને નિર્ણય કોર્ટે આપ્યો છે. આવા તોફાનીઓ અને ધમાલિયાઓ માટે કોઈપણ પાર્ટી આવા સંમેલનો કે સભાઓ કરે છે, તેને ડબલ સજા થવી જોઈએ. આવા ગુનામાં સપડાયા પછી ધારાસભ્ય હોય કે સંસદસભ્ય હોય તેમણે કાનૂની લડાઈ લડવી પડે છે.' અરવિંદ કેજરીવાલ અંગે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી લોકોને ઉશ્કેરવા માટે દેડિયાપાડા આવી રહ્યા છે. અહીં સંમેલન કરવાથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.