હવામાન@ગુજરાત: રાજ્યમાં તીવ્ર ઠંડીનો ચમકારો યથાવત, દાહોદ રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલમાં તીવ્ર ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો છે. તાપમાનના આંકડા મુજબ, દાહોદ શહેર રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.9 ડિગ્રી નોંધાયું છે.
અન્ય મુખ્ય શહેરોમાં પણ પારો ગગડ્યો છે, જેમાં અમરેલી 11.2 ડિગ્રી અને નલિયા 11.4 ડિગ્રી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સૌથી ઠંડા શહેર રહ્યા છે.રાજ્યના મહાનગરોમાં પણ તાપમાન 12 થી 15 ડિગ્રીની આસપાસ રહ્યું છે. જોકે, દિવસ દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળે છે, જ્યારે સવાર અને સાંજના સમયે પવન સાથેની તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે સામાન્ય ગરમીનો અનુભવ થાય છે, જેને કારણે હવામાન મિશ્ર મોસમ જેવું રહ્યું છે.ત્રણ દિવસ પછી ઠંડીનું જોર ઘટશે. હવામાન વિભાગે એક રાહતરૂપ આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. આગાહી મુજબ ત્રણ દિવસ પછી લઘુત્તમ તાપમાનમાં લગભગ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેનાથી હાલની તીવ્ર ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે.

