હવામાન@ગુજરાત: જાણો ક્યારથી અનુભવાશે ઠંડીનો ચમકારો? ઠંડીને લઇને અંબાલાલ પટેલની મોટી આગાહી

 
હવામાન

ગુજરાતમાં આગામી ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનું જોર વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 15 નવેમ્બર બાદ 19 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો ગગડશે. દાહોદ, ગાંધીનગર, અમરેલી, વડોદરામાં ઠંડીનો અનુભવ થશે.આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઠંડીનો ચમકારો વધતા રાજ્યમાં ગરમીથી પણ રાહત મળે તેવી શક્યતા છે. આગામી 15 નવેમ્બરથી 20 નવેમ્બરની વચ્ચે લઘુતમ તાપમાનનો પારો 16થી 20 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.1 ડિગ્રીનો જ્યારે રવિવારે રાત્રે 21 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સિવાય ભાવનગરમાં 34.6 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, સુરત અને અમરેલીમાં 35.2 ડિગ્રી, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી, ડીસામાં 36.9 ડિગ્રી, ભુજમાં 37.1 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતુ. જ્યારે દાહોદમાં 16.6 ડિગ્રી, ગાંધઈનગરમાં 19.4 ડિગ્રી, વડોદરામાં 19.6 ડિગ્રી તો અમરેલીમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો અનુભવ થયો હતો.ગુજરાતના જાણીતા હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે વરસાદ બાદ હવે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે, રાજ્યમાં શિયાળાનો માહોલ ડિસેમ્બરમાં જામી જશે.

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજાવતી ઠંડી પડશે. અંબાલાલના મતે 14 થી 18 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક લૉ પ્રેશર સર્જાશે, અને દક્ષિણ પૂર્વીય તટો પર આ લૉ પ્રેશરની અસર જબરદસ્ત જોવા મળશે. આગામી 18 થી 24 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત અને પવનો પણ ફૂંકાશે. 19 થી 22 નવેમ્બરની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 11 નવેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.