હવામાન@ગુજરાત: ચોમાસાનો છેલ્લો રાઉન્ડ, ઉત્તર ગુજરાતમાં આજથી વરસાદની આગાહી

 
હવામાન

આગામી દિવસોમાં ચોમાસાની વિદાય શરૂ થઈ જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં 15 દિવસથી વરસાદી વિરામ લઈ લીધો છે અને ચોમાસું હવે પુરું થઈ ગયુ હોય તેવું લોકો માની રહ્યા છે. પરંતુ આ વર્ષના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. જેના કારણે ફરી એક વખત વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજથી અરવલ્લીમાં વરસાદની શરૂઆત થશે અને ત્યાર બાદ બાકીના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.

ઓક્ટોબર મહિનાની શરૂઆત થાય ત્યાં સુધી વરસાદી માહોલ રહ્યા બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિધિવત વિદાય લઈ લેશે.બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ છત્તીસગઢ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈ ગુજરાત તરફ આવશે અને 2024ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવશે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તા.23મી સપ્ટેમ્બરથી વરસાદની આગાહી  કરાઈ છે. જેમાં સૌપ્રથમ અરવલ્લી જિલ્લામાં વરસાદ પડશે.

ત્યારબાદ 24મીએ સાબરકાંઠા અને તા. રપમી તેમજ 26મીએ સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી આગાહી કરવામાં આવી છે. આજથી જ હવામાનમાં પલટો આવવાની શરૂઆત થવા સાથે કડાકા-ભડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને જો હાઈ પ્રેશર મજબુત રહે તો કેટલાક વિસ્તારોમાં રથી 5 ઈંચ સુધીનો વરસાદ ખાબકવાની પણ શક્યતાઓ રહેલી છે. એક તરફ હવે ચોમાસના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે.