હવામાન@ગુજરાત: અનેક શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું?
ઠંડીનું પ્રમાણ ઘટતા લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં રાજ્યના અનેક શહેરોમાં 'મિક્સ સીઝન' એટલે કે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે.હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટતા લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. નલિયા અને પોરબંદરમા 14.3 ડિગ્રી તાપમાન, અમદાવાદમા 18.8 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, રાજકોટમાં 17.8 ડિગ્રી, વડોદરામાં 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતના રાજ્યો જેવા કે રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં માવઠું પડ્યું છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં ભારે ધુમ્મસ છવાઈ શકે છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઉત્તર તરફથી આવતા પવનો ઠંડી લાવે છે, પરંતુ આ વર્ષે તેના માટે કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે. પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે.
અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનો ઠંડીને રોકી રહ્યા છે. સતત વધતા તાપમાનને કારણે ઋતુચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 15 વર્ષમાં આ જાન્યુઆરી સૌથી ઓછી ઠંડીવાળો રહ્યો છે. વર્ષ 1954માં 10 જાન્યુઆરીએ અમદાવાદમાં 3.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેની સામે આ વર્ષે પારો ભાગ્યે જ 12 ડિગ્રીથી નીચે ગયો છે. તેવી જ રીતે ઠંડીના ગઢ ગણાતા નલિયામાં પણ ગત વર્ષે પારો 22 વખત 10 ડિગ્રીથી નીચે ગયો હતો.

