હવામાન@ગુજરાત: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાનું સંકટ, આગામી 18 અને 19 માર્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા

 
વરસાદ
રાજ્યમાં વધતા જતા તાપમાનમાં ઘટાડો નોંધાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપોને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.આગામી 18 અને 19 માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.18 માર્ચે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર તેમજ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળશે.

જ્યારે 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે.આ કમોસમી વરસાદને પગલે રાજ્યમાં વધતા જતા તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે આ માવઠું ચિંતાનો વિષય બની શકે છે, પરંતુ ગરમીથી પરેશાન નાગરિકો માટે આ ફેરફાર ઠંડક લઈને આવશે.