હવામાન@ગુજરાત: ફરી એકવાર મેઘરાજા તોફાન મચાવી શકે, 26 જિલ્લામાં ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જેના કારણે રાજ્યના 26 જિલ્લામાં ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે, હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. 26 જિલ્લામાં યલો-ઓરેન્જ અલર્ટ છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે.
આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો અલર્ટ છે. તો આવતીકાલે રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 27 તારીખથી મેઘરાજા ધબધબાટી બોલાવશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 27, 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મેઘરાજા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં મૂશળધારવરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.