હવામાન@ગુજરાત: દિવાળીમાં પણ મેઘરાજા ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. રાજ્યમાં નવરાત્રિ બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડશે. નવરાત્રી પર ઘણા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગડી હતી. તો હવે દિવાળી પર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. દિવાળીમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ 18થી 28 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.મધ્ય અને ઉત્તર ભારતમા વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નવેમ્બરમાં મોટુ સાયક્લોન સર્જાય તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે.
નવરાત્રિ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમદાવાદ સહિત અનેક ગરબા પંડાલમાં ગરબાનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું હતું જેને લઈ ખેલૈયાઓ નિરાશ થયા હતા.રાજ્યમાં સિઝનનો કુલ 117.88 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.48 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 116.92 ટકા, સૌરાષ્ટ્રમાં 108.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.92 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અમુક સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આગામી ત્રણ દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.