રીપોર્ટ@અમરેલી: કોંગ્રેસને મોટો આંચકો, સરપંચ સહિત 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

 
રાજકારણ
રાજકીય પલટાને કારણે કોંગ્રેસ માટે જીત મેળવવી મુશ્કેલ બની શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો. માયાપદર ગામના સરપંચ સહિત 100 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ ગામમાં વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે અને દરેક ચૂંટણીમાં કોંગ્રેસને અહીંથી સારી લીડ મળતી હતી. આ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવીને વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયાએ આવકાર્યા હતા.

તેમના જણાવ્યા અનુસાર આ તમામ કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ, રાષ્ટ્રવાદ અને સુશાસનના વિશ્વાસ સાથે ભાજપમાં જોડાયા છે. તેમના જોડાવાથી ભાજપ પરિવાર વધુ મજબૂત બન્યો છે. આ રાજકીય પલટાને કારણે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે આ ગામમાં જીત મેળવવી મુશ્કેલ બની શકે છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અમરેલી બેઠક પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ ગણાતી હતી. 2022માં તેમનો પરાજય થતા રાજકીય સમીકરણો બદલાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો.