હવામાન@ગુજરાત: મેઘરજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ

 
બરસાદ
વલસાડમાં કારખાના-ઔદ્યોગિક એકમ બંધ રાખવાનો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં  છેલ્લા 24 કલાક દરમિયાન 213 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. વલસાડના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં આભ ફાટ્યું હોય તેમ 35.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાના કપરાડામાં 28.78 ઈંચ, નાનાપોંઢામાં 25.31 ઈંચ અને ધરમપુરમાં 19.65 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આજે માત્ર બે કલાકમાં ઉમરગામમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. 23 જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.આજે (23મી જુલાઈ) સવારે 4થી 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, ઉમરગામમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં જ 7.56 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય સુરતના ઉમરપાડામાં 4.41 ઈંચ, વલસાડના પારડીમાં 3.82 ઈંચ, વલસાડ તાલુકામાં 3.35 ઈંચ, નાનાપોંઢામાં 3.27 ઈંચ, કપરાડામાં 2.76 ઈંચ અને ધરમપુરમાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, માંડવી, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં પણ અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં પણ જળસ્તર સતત વધી રહ્યું હોવાથી સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે.તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા અવિરત વરસાદથી ભારે હોનારત સર્જાઈ છે. વ્યારાથી ઉનાઈ જતો નેશનલ હાઈવે કોતરમાં પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. ડોલવણ તાલુકાના ગડત ગામની સીમમાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતાં 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દરમિયાન અંતાપુર ગામે રેસ્ક્યૂ માટે જઈ રહેલી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ પણ બંધ હાઈવે પર ફસાઈ ગઈ હતી. હવામાન વિભાગ અનુસાર, આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ ઍલર્ટ અપાયું છે. 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.