હવામાન@ગુજરાત: અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ પડતાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 36 કલાકમાં રાજ્યના 90થી વધુ તાલુકાઓમાં ચોમાસુ માહોલ જામ્યો છે, જેમાં 11 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
મહિસાગર, ખેડા, પંચમહાલ અને વડોદરા તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મુખ્ય વિસ્તારોમાં પડેલા વરસાદની વાત કરીએ તો બાલાસિનોર (મહિસાગર)માં સૌથી વધુ 5 ઈંચ (સૌથી વધુ) વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ ભીલોડા (અરવલ્લી): 2.95 ઈંચ, સતલાસણા (મહેસાણા): 2.87 ઈંચ, જાંબુઘોડા (પંચમહાલ): પોણા ત્રણ ઈંચ, ધનસુરા (અરવલ્લી): 2.60 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.આજે સવારે 6 થી 8 દરમિયાન રાજ્યના 10 જિલ્લાઓના 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ ૨.૫૬ ઇંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 2 ઇંચ અને પંચમહાલના ગોધરામાં 2 ઇંચ વરસાદ પડ્યોઉત્ત. કાલોલમાં 2.5 ઇંચ અને ઘોઘંબામાં 1.30 ઇંચ વરસાદની નોંધણી થઈ છે.
24 કલાકમાં ગુજરાતના 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 10 તાલુકાઓમાં ૨થી લઈને પોણા છ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ સિવાય 9 તાલુકાઓમાં 1થી પોણા બે ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ગુરૂવારે દિવસ દરમિયાન પણ 31 તાલુકાઓમાં મેઘાવી માહોલ વચ્ચે 4 તાલુકાઓમાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો હતો.અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે, સમી સાંજ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા

