હવામાન@ગુજરાત: રાજ્યમાં મેઘરાજાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો

 
વરસાદ
ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય પૂર્વ ગુજરાતના એક જિલ્લામાં આજે ભારે વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ નરમ પડતો દેખાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં રાઉન્ડ લગાવ્યા બાદ હવે મેઘરાજાની ગતિ ધીમી પડી રહી છે ત્યારે રાજ્યના ચાર જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. આજે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય પૂર્વ ગુજરાતના એક જિલ્લામાં આજે ભારે વરસાદ પડશે. જિલ્લાના નામની વાત કરીએ તો આજે સોમવારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ,વડોદરા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં આજે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.