હવામાન@ગુજરાત: મેઘરાજા ફરી બોલાવશે રમઝટ! આજે 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી

 
વરસાદ
સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ મેઘરાજા જવાનું નામ જ નથી લેતા. ત્યારે હવામાન વિભાગે આજે આગામી પાંચ દિવસ માટેની વરસાદ અંગેની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં સાત દિવસ અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉપરાંત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકવાની શક્યતા હોવાનું જણાવ્યું હતુ.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 18થી 20 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે. આ સાથે 21-22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.