હવામાન@ગુજરાત: આગામી દિવસોમાં મેઘરાજા રાજ્યને ઘમરોળશે, જાણો વરસાદની લેટેસ્ટ આગાહી
કેટલાક જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મેઘરાજા આગામી દિવસોમાં ફરીથી રાજ્યને ઘમરોળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 22 અને 23 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 22 અને 23 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે, આ ઉપરાંત સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ તાંડવ મચાવી શકે છે.
આગામી 5 દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી છે તે જોતા કહી શકાય કે રાજ્યમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદનો માહોલ બનશે. આજે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 20મી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
બુધવાર અને ગુરૂવારે એટલે 21 અને 22મી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 23 અને 24મી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના કુલ 207 પૈકી 52 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી કરી છે. હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે.