હવામાન@ગુજરાત: ખેડા-આણંદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી વચ્ચે સૌથી વધુ વરસાદ સુરતના અંબિકામાં નોંધાયો હતો. જ્યાં શુક્રવાર સવારથી શરુ થઇને શનિવારની સવાર સુધીમાં 24.06 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ નોંધાયો હતો. લગભગ 3 તાલુકા એવા હતા જ્યાં 16 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો જ્યારે 9 તાલુકા એવા હતા જ્યાં 10 ઈંચ કરતા વધુ વરસાદ તૂટી પડ્યો હતો. આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટની આગાહી છે. ત્યારે સવારના બે કલાકમાં જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી દીધી છે.
સૌથી વધુ વરસાદ સુરત, તાપી, ખેડા, નવસારી, ભરુચ, વલસાડ, ડાંગ, આણંદ, નર્મદા જિલ્લાઓમાં નોંધાયો હતો. જોકે ગઈકાલે સાંજથી મોડી રાત સુધી તો અમદાવાદમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. કુલ 255 તાલુકામાં અતિ ભારેથી ભારે વરસાદ નોંધાયો હતો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ ગઇ હતી.નવસારી જિલ્લામાં છેલ્લા 18 કલાકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સાંજે 4થી આજે લ સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 4.4 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વાંસદામાં 10.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ખેરગામમાં 4.2 ઇંચ, નવસારીમાં 3.3 ઇંચ, ગણદેવીમાં 3 ઇંચ, જલાલપોરમાં 3 ઇંચ અને ચીખલીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદ અને ઉપરવાસની આવકથી જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે. જળબંબાકારની સ્થિતિને પગલે 160 રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.ખેડા અને આણંદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા આક્રમક બેટિંગ કરી છે, જેના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખેડાના મુખ્ય મથક નડિયાદમાં સતત ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાની દહેશતને પગલે વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ પહેલી ઓગસ્ટના રોજ સવારે 6:00થી 8:00 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં રાજ્યના 135 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં 3.46 ઇંચ ખાબક્યો છે. ત્યારબાદ નર્મદાના તિલકવાડામાં 2.76 ઇંચ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત નર્મદાના ગરુડેશ્વર (2.05 ઇંચ) અને નાંદોદ (1.93 ઇંચ), મોરબી (1.61 ઇંચ), ભરૂચ (1.30 ઇંચ) તેમજ અમદાવાદના વિરમગામ અને વડોદરાના શિનોરમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

