હવામાન@ગુજરાત: 30 જૂન સુધીમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની પધરામણી થશે, અંબાલાલની આગાહી

 
અંબાલાલ

રાજ્યમાં સરેરાશ 71 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી 23 જૂન સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રહેશે. જેમાં કેરળના કાંઠેથી કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જે બાદ 24 જૂનથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.આગામી 24 થી 29 જૂન સુધીમાં બંગાળના ઉપસાગરનો ભેજ મધ્ય પ્રદેશ થઈને ગુજરાત સુધી આવી જશે. આમ 30 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ તેમ કહી શકાય નહીં. 10 જૂનથી દક્ષિણ ગુજરાતના કાંઠે ચોમાસું અટકી ગયું છે. જેના કારણે રાજ્યમાં સરેરાશ 71 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતના 33 જિલ્લા પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ સરેરાશ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.આજે વરસાદના આંકડા પર નજર નાંખીએ તો, દિવસભર 33 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ 50 મિમી વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. આ સિવાય સુરતના પલસાણામાં 32 મિમી, નવસારીમાં 23 અને જલાલપોરમાં 21 મિમી વરસાદ વરસ્યો છે.