હવામાન@ગુજરાત: એકસાથે 6 વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ફરી રાજ્યમાં મેઘતાંડવના એંધાણ

 
વરસાદ
ચાર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

​​​​​​

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. એકસાથે 6 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે.

આ સિસ્ટમોની અસરના કારણે આગામી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ગઈ છે. સક્રિય થયેલી મોસમી સિસ્ટમોની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ જિલ્લાઓમાં પ્રશાસન દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.