હવામાન@ગુજરાત: અનેક શહેરોમાં ગરમીનો પારો 38થી 40 ડિગ્રી સુધી પહોંચ્યો, રાજકોટ સૌથી ગરમ શહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના અનેક શહેરોમાં પારો 38થી 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે, જ્યારે રાજકોટમાં મહત્તમ 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી. જોકે, 19 ઓક્ટોબરે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ત્યારે આગામી દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે કે વરસાદને કારણે હવામાનમાં પલટો આવશે, તેના પર સૌની નજર છે.
આગામી 19 ઓક્ટોબરે ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન મોટાભાગે સૂકું રહેવાની શક્યતા છે. સાથે જ આગામી સાત દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા ન હોવાથી ગરમીનો અહેસાસ યથાવત્ રહી શકે છે.ઉત્તર પંજાબ અને તેની નજીકના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી હવાનું પરિભ્રમણ સક્રિય થયું છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે ટ્રફ લાઇન પણ 5.8 કિલોમીટરની ઊંચાઈએ જોવા મળી રહી છે.
આ હવામાન પ્રણાલીઓની અસરથી ગુજરાતમાં પવનની દિશામાં ફેરફાર નોંધાયો છે અને રાજ્યના નીચલા વાતાવરણમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે અને 16 ઓક્ટોબર, 2026ના રોજ રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજકોટમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ ડીસામાં 39.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ અને કેશોદમાં પણ પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત અમરેલીમાં 38.5 ડિગ્રી, પોરબંદરમાં 38.2 ડિગ્રી અને અમદાવાદમાં 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વડોદરા અને સુરતમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી રહ્યું હતું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 37.5 ડિગ્રી, વેરાવળમાં 37.1 ડિગ્રી અને ભાવનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં પારો ઊંચો રહેતાં લોકોને ઓક્ટોબરમાં પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યનાં મુખ્ય શહેરોમાં આગામી સમયમાં ગરમીનો પ્રભાવ યથાવત્ રહેવાની શક્યતા છે. રાજકોટમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહી શકે છે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. બીજી તરફ, સુરતમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અહીં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે. આમ, વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ત્રણેય શહેરોમાં ગરમીથી ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. પરિણામે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ યથાવત્ રહી શકે છે. 19 ઓક્ટોબરે નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આથી આ જિલ્લાઓમાં વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળી શકે છે.

