હાવામાન@ગુજરાત: 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો, વડોદરા રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ ઘટાડાની અસરથી વહેલી સવાર અને મોડી સાંજે ઠંડી વધુ અનુભવાઈ રહી છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે, જ્યાં પારો ઘટીને 11.2 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો છે. નલિયામાં અગાઉ 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન હતું, જેમાં એક જ દિવસમાં 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેથી નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.
નલિયા બાદ વડોદરા રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે જ શહેરમાં ઠંડીની અસર વધુ સ્પષ્ટ રીતે અનુભવાઈ રહી છે.અમદાવાદની વાત કરીએ તો અહીં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેના કારણે શહેરમાં સવારના સમયે ઠંડી વધી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ ઠંડીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ફરી બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. પવનની ગતિ અને વાતાવરણની પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં પણ સવાર અને રાત્રિના સમયે ઠંડકનો અહેસાસ યથાવત રહેવાની સંભાવના છે.

