હવામાન@ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી લઘુત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધ્યું, પવનની દિશા બદલાતા ઠંડી ઘટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો. હવે હવામાનમાં પલટો આવતા ઠંડીનું જોર થોડું નરમ પડ્યું છે. ઉત્તર-પૂર્વના પવનોની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. આ ફેરફારને કારણે હાલ ગુજરાતવાસીઓ બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે.હાલની સ્થિતિ એવી છે કે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. 18 ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતા થોડું વધારે છે.
રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. કચ્છના નલિયા અને કંડલામાં પણ તાપમાનનો પારો ઊંચકાયો છે, જેનાથી સરહદી વિસ્તારોમાં ઠંડીમાં રાહત મળી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સરેરાશ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે સામાન્ય ઠંડી અનુભવાય છે. હાલ તો ગુજરાતના લોકો દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી એમ મિશ્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે.શહેરોનું લઘુત્તમ તાપમાન, ડીસામાં 12.9 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી, કંડલા 15.3 ડિગ્રી, અમદાવાદમાં 15.4 ડિગ્રી, ગાંધીનગર 14 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી,દમણમાં 17.2 ડિગ્રી, ભુજ 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું.

