હવામાન@ગુજરાત: ચોમાસું નબળું પડ્યું! 24 કલાકમાં માત્ર બે તાલુકામાં એક ઈંચ વરસાદ, જાણો આજની આગાહી

 
વરસાદ
24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે પોતાના અંતિમ તબક્કા તરફ આગળ ધપી રહ્યું છે. રાજ્યમાં બે ત્રણ દિવસથી ચોમાસું નબળું પડતું દેખાઈ રહ્યું છે. વરસાદનો વિસ્તાર અને માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં માત્ર બે તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.  રાજ્યમાં કુલ 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી. શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શનિવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં હવે વરસાદની સિસ્ટમ નબળી પડી રહી છે જેના પગલે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદના માત્રામાં પણ ઘટાડો થયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શનિવારે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદના અણસાર નથી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસગાર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સામાન્ય વરસાદ પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.