હવામાન@ગુજરાત: રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે, કયા-કયા જિલ્લામાં વરસાદ પડશે? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં અચાનક ધીમા પડી ગયેલા ચોમાસામાં ફરી હલચલ જોવા મળી રહી છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને આગામી દિવસોમાં ઓછામાં ઓછા 13 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. વલસાડ અને દમણના પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યા પર હળવો વરસાદ નોંધાયો છે.
કચ્છ અને આસપાસના વિસ્તારોની ઉપર સમુદ્રથી 3.1 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે તેમ પણ હવામાન વિભાગ જણાવે છે. ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમૅટના અહેવાલ પ્રમાણે ભારતમાં જે રાજ્યો હાલમાં વરસાદની અછત ભોગવી રહ્યા છે ત્યાં પણ ચોમાસું હવે સક્રિય થવાનું છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશ, કચ્છ, આસામ અને તેલંગણા પર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેમાં કચ્છના સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં ભેજનું પ્રમાણ ઓછું છે. તેથી વરસાદ પડશે પરંતુ તે અત્યંત ભારે નહીં હોય.
ખાસ કરીને 17 અને 18 તારીખે ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાનો છે. આગામી સાત દિવસની આગાહી જોવામાં આવે તો 12 ઑગસ્ટે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક જોવા મળશે.ત્યાર પછી ત્રણ દિવસ સુધી કોઈ જગ્યાએ ભારે વરસાદની ચેતવણી નથી, પરંતુ હળવો વરસાદ પડી શકે છે.