હવામાન@ગુજરાત: 24 કલાકમાં 6 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ 18.19 ઈંચ, તો કામરેજમાં 17.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે બાદ નવસારીમાં 15.28 ઇંચ તો સુરત શહેરમાં 14.09 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.આજે વહેલી સવારથી બે કલાકના ગાળામાં 58 તાલુકામાં મેઘમહેર નોંધાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 24 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગમાં 20 મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે .
આજે નવસારીમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. જ્યાં 17 મિ.મી. જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 18.19, કામરેજમાં 17.4, નવસારીમાં 15.28, સુરત શહેરમાં 14.09, વલસાડના કપરાડામાં 12.68 અને નવસારીના જલાલપોરમાં 11.02 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ મેઘરાજાએ નર્મદા જિલ્લાનો વારો પાડતા વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીના બે કલાકાના ગાળામાં જ નાંદોદમાં 2.36 ઈંચ જેટલી ધોધમાર બેટિંગ કરી હતી. જેના કારણે ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે રાતે 12 વાગ્યા બાદના પણ આંકડા સામે આવ્યા છે જે અનુસાર સુરતના ઉમરપાડામાં રાત્રિના બેથી ચાર વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં 4.13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

