હવામાન@ગુજરાત: નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધ્યું

 
ઠંડી

કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનમાં વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં  કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડક અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. બીજી તરફ, અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાનમાં તફાવત જોવા મળી રહ્યો છે. નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, અમરેલીમાં 17.6 ડિગ્રી અને કંડલામાં 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રીની આસપાસ રહ્યું છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના તાપમાનમાં વધારો નોંધાયો છે. શહેરનું લઘુત્તમ તાપમાન વધીને 18.8 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધુ છે. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રીથી વધીને 18.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જેના કારણે શહેરમાં ઠંડીની અસર થોડી ઓછી અનુભવાઈ રહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન આશરે 17 ડિગ્રી રહી શકે છે. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. બીજી તરફ, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસની સ્થિતિ પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ ઠંડીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે.