હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ, 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ

 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે. નલિયા 10.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આગામી દિવસોમાં વધુ આકરી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આ તરફ ભૂજમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ગાંધીનગર અને રાજકોટમાં 16 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાતા લોકોમાં ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બન્યો છે.તાપમાન ઘટતાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને સવાર-સાંજ લોકો ઘરેથી બહાર નીકળવામાં હવે સંકોચ અનુભવી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષાના પગલે ઉત્તપ પૂર્વના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેના પગલે આગામી દિવસોમાં વધુ આકરી ઠંડીનો અનુભવ થઇ શકે છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણીના સ્ત્રોત જામી રહ્યા છે અને દૈનિક જીવન પ્રભાવિત થયું છે.મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. છત્તીસગઢ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, જેથી લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.મોટા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાતાં વાહનવ્યવહાર પર અસર પડી છે.