હવામાન@ગુજરાત: લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં જનજીવન ઠૂંઠવાયું, નલિયા 4.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુતમ પારો ગગડ્યો છે, જેમાં કચ્છનું નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું છે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો નીચો જતાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ મુખ્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે. સુરેન્દ્રનગર અને ભુજ જેવા શહેરોમાં પણ પારો 10 થી 11 ડિગ્રીની આસપાસ રહ્યો છે.
આ વર્ષે શિયાળો પ્રમાણમાં 'નરમ' રહેવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં થતી ભારે હિમવર્ષાને કારણે ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં આવે છે, પરંતુ આ વખતે 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' નબળું હોવાથી હિમવર્ષા ઓછી થઈ છે. પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની વૈશ્વિક ઘટનાને કારણે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોએ પણ ઠંડીને રોકી રાખી હતી.ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતની ઋતુચક્રમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આ વર્ષે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીને બદલે ઉકળાટભર્યા દિવસો વધુ રહ્યા છે.
નલિયામા ગત વર્ષે ડિસેમ્બરમાં 22 દિવસ પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો, જે આ વર્ષે માત્ર 4 વખત જ નીચે ઉતર્યો છે. અમદાવાદમાં ગયા વર્ષે 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે ગયું હતું, જેની સરખામણીએ આ વર્ષે માત્ર 4 દિવસ જ આવી ઠંડી અનુભવાઈ છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસમાં ઠંડીનું જોર હજુ વધશે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.

