હવામાન@ગુજરાત: રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનોથી ડબલ ઋતુનો અનુભવ, કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે

 
હવામાન
નલિયામાં પારો ગગડીને 17 ડિગ્રી સુધી પહોંચ્યી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં આગામી સમયમાં પણ વાતાવરણમાં મિશ્ર સ્થિતિ જળવાઈ રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં હાલમાં ઉત્તર-પૂર્વના પવનો સતત ફૂંકાઈ રહ્યા છે. આ પવનોની અસરને પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં ખાસ ફેરફારો જોવા મળી રહ્યા છે. હવામાનમાં આવી રહેલા આ બદલાવના કારણે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે. તેની સામે રાત્રિના તેમજ વહેલી સવારના સમયે હળવી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.પવનોની બદલાતી સ્થિતિ વચ્ચે પણ તાપમાનમાં મોટો ફેરફાર થવાને બદલે પારો યથાવત્ રહેશે.હવામાન આગામી દિવસોમાં પણ આ જ રીતે જળવાયેલું રહી શકે છે.

રાજ્યમાં નલિયા ખાતે સૌથી નીચું તાપમાન નોંધાયું છે.નલિયામાં પારો ગગડીને 17 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.જેના કારણે નલિયામાં રાજ્યમાં સૌથી વધુ ઠંડક નોંધાઈ છે.બીજી તરફ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન 20 થી 21 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે.આ સાથે રાજ્યમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.મહત્તમ તાપમાન ઊંચું રહેતાં બપોરના સમયે ગરમીનો વર્તારો રહેશે.જ્યારે લઘુત્તમ તાપમાન નીચું રહેતાં રાત્રે ઠંડક જળવાઈ રહેશે. વાતાવરણમાં સતત ફેરફારો વચ્ચે પણ સરેરાશ તાપમાન મોટાભાગે યથાવત્ રહેવાની વકી છે.ઉત્તર-પૂર્વના પવનોની અસરને કારણે આગામી દિવસોમાં આ મિશ્ર માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે.મહેસાણા જિલ્લામાં ઠંડીમાં સામાન્ય વધારો અનુભવાઈ રહ્યો છે.

24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રીનો ઘટાડો અનુભવાયો હતો.તાપમાન ઘટતા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીના ચમકારાનો અહેસાસ થયો હતો.તો દિવસ દરમિયાન સામાન્ય ગરમીનો પણ અનુભવ થવા પામ્યો હતો.જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો જ્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.લઘુત્તમ તાપમાન ગગડતા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી પર પહોંચ્યો હતો.નવેમ્બરની શરૂઆતમાં કચ્છમાં દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ યથાવત રહ્યો છે.

ભુજમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જ્યારે નલિયામાં રાત્રિના લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાતાં ઠંડકનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ કંડલા પોર્ટ ખાતે મહત્તમ તાપમાન 35.4 અને લઘુત્તમ 3.5 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા 24 કલાક દરમ્યાન દિવસે તાપ અને ગરમીનો અનુભવ થયો હતો. ભુજમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.1 ડિગ્રી વધુ રહ્યું હતું. રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું જ્યારે કચ્છમાં તે સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું.