હવામાન@ગુજરાત: ફરી એકવાર વાતાવરણમાં પલટો, અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવો વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારથી જ અમદાવાદના પૂર્વ વિસ્તારો જેવા કે નહેરૂનગર, શિવરંજની, મેમનગર અને વસ્ત્રાપુરમાં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડી રાતથી જ અમરેલી જિલ્લાના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ બફારાથી ત્રસ્ત લોકોને રાહત આપી ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા બન્યું છે.
હવામાન વિભાગે પણ અમદાવાદમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ વરસાદ ખેડૂતો માટે પણ રાહતરૂપ સાબિત થઈ શકે છે. આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા પ્રદેશોમાં વરસાદની શક્યતા નહિવત્ છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદ નહીંવત રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે, 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. નવરાત્રિની શરૂઆતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને 28 સપ્ટેમ્બરથી 2 કે 3 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં 4 થી 6 ઇંચ, તો કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે.