હવામાન@ગુજરાત: આજે બનાસકાંઠા, સાબરકાંઠા સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

 
વરસાદ
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હાલ પૂરતી ભારે વરસાદની ચેતવણી નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા આજે સવારના 10 વાગ્યા સુધીની નાઉકાસ્ટ જાહેર કરાયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં જિલ્લાઓને વિભાજિત કરવામાં આવ્યા છે. સંભવિત અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈઍલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતના સીમાવર્તી વિસ્તારો અને પૂર્વ-દક્ષિણ પટ્ટીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર ઓરેન્જ ઍલર્ટ છે.મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના સાથે યલો ઍલર્ટ જારી કરાયું છે.

જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી,ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી યલો ઍલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હાલ પૂરતી ભારે વરસાદની ચેતવણી નથી અને આ વિસ્તારો ગ્રીન ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે.