હવામાન@ગુજરાત: મોટાભાગના જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે સવારથી જ અમદાવાદ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળો જળબંબાકાર બન્યા છે. વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઇ ગઇ છે.
આજે સવારથી જ કાળા ડિંબાગ વાદળોના કારણે દિવસે અંધારુ જોવા મળી રહ્યું છે.સવારે સાત વાગ્યાથી અમદાવાદના દરેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. કાળા વાદળોના કારણે અંધારુ જોવા મળી રહ્યું છે જેથી વાહનચાલકોને દિવસે પણ લાઈટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સાયન્સ સિટી, ગોતા, જગતપુર, ચાંદખેડા, રાણીપ, ન્યુ રાણીપ, મોટેરા, સાબરમતી, ઓઢવ, મણીનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અમદાવાદમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે.ઉત્તર ગુજરાતમાં પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે જેથી જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. તો માણસામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. માણસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે . બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. ડીસા, પાલનપુર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. સદરપૂર, કરજોડા, લુણવા સહીતના અનેક ગામોમાં વરસાદ છે.