હવામાન@ગુજરાત: અસહ્યનીય ગરમી-ઉકળાટથી લોકો ત્રાહિમામ, ભાવનગરમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન

 
તાપમાન
રાજ્યમાં ચોમાસાની આગેકૂચમાં વિલંબ સર્જાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં 22 જૂન સુધી ચોમાસાની આશા નહીવત્ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધ્યું હોવા છતાં હજી પણ ગુજરાત સુધી પહોંચતા આ આખુ અઠવાડિયુ ખમૈયા કરે તેવી પ્રબળ સંભાવના છે. ગુજરાત તરફ આગળ વધવાની તેની ગતિ હાલમાં ધીમી પડી છે.આના લીધે રાજ્યમાં ગરમી અને ઉકળાટથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે.

લોકોએ હજી અઠવાડિયા જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે તેમ હવામાન ખાતુ કહે છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 39થી 41 ડિગ્રીની વચ્ચે રહેશે. અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 38.6, સુરતમાં 35.2, રાજકોટમાં 39.7, અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં હાલમાં ઉપરના વાતાવરણમાં સૂકા અને ગરમ ઉત્તર-પશ્ચિમી પવનો સક્રિય હોવાના કારણે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોને મોટો અવરોધ નડી રહ્યો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પ્રતિ કલાક 50થી 55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. તેની સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 20થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.આના પગલે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઈપણ નોંધપાત્ર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી.