હવામાન@ગુજરાત: કાતિલ ઠંડીથી લોકોને નહીં મળે રાહત, નલિયા, અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

 
હવામાન
હવામાન વિભાગે પણ ગુજરાતના મોટાભાગના કોલ્ડ વેવની આગાહી કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં શિયાળો એકદમ જામી ચૂક્યો છે. બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમ વર્ષાના પગલે ગુજરાતમાં ઠંડી જોરદાર પડી રહી છે. રાજ્યમાં ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે. કડકડતી ઠંડીના કારણે રોજિંદા જનજીવન ઉપર અસર પડી રહી છે. ગુજરાતમાં સરેરાશ 10 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન પહોંચી ગયું છે.નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે. ગુજરાતમાં કડકડી ઠંડની વચ્ચે તાપમાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં 8 ડિગ્રીથી લઈને 19.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહ્યું હતું.

મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. જેમાં નલિયામાં 8 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 19.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં પ્રસરેલી ઠંડીના પગલે અમદાવાદ શહેરમાં પણ ભારે ઠંડી પડી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે શુક્રવારે પણ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદને અડીને આવેલા પાટનગર ગાંધીનગરમાં 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગે પણ ગુજરાતના મોટાભાગના કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો હજી નીચે પહોંચી ગયો છે.