હવામાન@ગુજરાત: રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ, ગાંધીનગરમાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું

 
હવામાન
સીઝનમાં પ્રથમ વખત તાપમાનનો પારો 14 ડિગ્રી સુધી પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી દિવસોમાં ઠંડીનો વધુ ચમકારો અનુભવાશે.ગુજરાતમાં કમોસમી વરસાદની વિદાય બાદ શિયાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો જોરદાર અહેસાસ થઈ રહ્યો છે અને તાપમાનમાં સરેરાશ 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.રાજ્યના 17 જિલ્લાઓમાં તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જેમાં રાજધાની ગાંધીનગર સૌથી વધુ ઠંડું રહ્યું છે.

ગુજરાતમાં સીઝનમાં પ્રથમ વખત તાપમાનનો પારો 14 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ગાંધીનગરમાં સૌથી ઓછું 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું જોર હજુ વધશે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફની થતાં ઠંડા પવનોનો અનુભવ થશે.ઉત્તર તરફથી આવતા પવનના કારણે મોટાભાગના જિલ્લાઓમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધુ ઘટવાની શક્યતા છે. ભારતમાં હવામાન ઝડપભેર પલટા લઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા ભાગોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 4થી 7 ડિગ્રી ઓછું રહેશે.