હવામાન@ગુજરાત: કેટલાક વિસ્તારોમાં ફરી ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, અંબાલાલ પટેલની આગાહી

 
આગાહી
બીજી તરફ ગરમી વધવાની પણ શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે અનેક વિસ્તારોમાં ગરમીનો અનુભવ પણ વધી રહ્યો છે. ત્યારે હસ્ત નક્ષત્ર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમના અનુમાન પ્રમાણે 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.તેમના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતી ભેજ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

આગાહી મુજબ ઉત્તર ગુજરાતના પાટણ, સમી-હારીજ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારો ઉપરાંત ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ તથા તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 30 સપ્ટેમ્બરથી ગરમી વધવાની પણ શક્યતા છે. ઓક્ટોબરની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી અને ક્યાંક 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 4થી 8 ઓક્ટોબર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છૂટાછવાયા વરસાદની શક્યતા છે.