હવામાન@ગુજરાત: 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો, જાણો સૌથી વધું ક્યાં નોંધાયો?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ ગત તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી લઈને આજ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ 4.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત રાજકોટના ગોંડલ તાલુકામાં 3.62 inch અને જૂનાગઢના માણાવદર તાલુકામાં 2.80 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં 2.36 ઇંચ અને વંથલીમાં 2.05 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેતી પાકોને નવું જીવનદાન મળ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 1.97 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 1.93 ઇંચ, તેમજ અમરેલીના કુંકાવાવ વાડિયામાં 1.73 ઇંચ અને રાજકોટના જસદણમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ 1.54 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાને કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.આજે સવારના સાતથી દસ વાગ્યા એટલે કે ત્રણ કલાક માટે નવસારી, વલસાડ અને ડાંગ તથા બે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

