હવામાન@ગુજરાત: બીજી અને ત્રીજી તારીખે વરસાદની આગાહી, કયા કયા જિલ્લામાં પડશે વરસાદ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં લગ્નની સિઝન હોવાથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરતા ગુજરાતી પરિવારોમાં ચિંતા છવાઈ છે. બીજી બાજુ માવઠાની આગાહીને કારણે ગુજરાતના ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું રહ્યું છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે કેશોદમાં 11.8, ગાંધીનગરમાં 12.2, પોરબંદરમાં 12.9 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, અમદાવાદમાં 14, વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 18.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, "પવનની દિશા ઉત્તર પશ્ચિમ છે જેના કારણે ભેજ આવી રહ્યો છે.
હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે હાલ છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે."આ સાથે તેમણે માવઠા અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, "આગામી ચાર દિવસ હવામાન શુષ્ક રહેશે. જે બાદ પાંચમા અને છઠ્ઠા દિવસે એટલે કે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ અને ગુજરાતના દક્ષિણ ભાગમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી છે." તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે, "બીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, નવસારી તથા વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા છે. "આ સાથે તેમણે જણાવ્યું છે કે, "ત્રીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે."