હવામાન@ગુજરાત: 1 જુલાઈ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો આજે ક્યા પડશે વરસાદ?

 
આગાહી
અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

27 થી 30 જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ચોમાસુ આગળ વધતા છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ જ વિસ્તારોમાં 1 જુલાઈના રોજ પણ વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગના અહેવાલમાં દર્શાવવામાં આવી છે.

હાલ ચોમાસું સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતિહારી લાઇનમાંથી પસાર થઈ રહ્યું છે, જે આગામી 2-3 દિવસમાં ઉત્તર અરબ સાગર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં આગળ વધશે. હવામાન નિષ્ણાતોના મતે, અઠવાડિયા દરમિયાન નીચા સ્તરના 'સોમાલી જેટ' વધુ મજબૂત બનવાના કારણે દક્ષિણ અરબી સમુદ્ર પર ક્રોસ-ઇક્વેટોરિયલ પવન વધશે, જેના લીધે આગામી 2 થી 8 અઠવાડિયા દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ જોવા મળી શકે છે.

અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી જ્યારે લઘુત્તમ 30 ડિગ્રી આસપાસ રહેશે. વડોદરામાં પણ વાદળછાયા માહોલ વચ્ચે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે. જ્યારે રાજકોટ અને સુરતમાં આજે વાદળછાયા વાતાવરણની સાથે-સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છેક