હવામાન@ગુજરાત: આજે આ વિસ્તારોમાં મધ્યમ વાવાઝોડા સાથે વરસાદની આગાહી, ટંકારામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો

 
વરસાદ
30-40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વરસાદની શક્યતાઓ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થતાં દેખાઈ રહ્યા છે. બુધવારે રાતના 8 વાગ્યા સુધીમાં 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે ગુરુવાર માટે આગાહી કરી છે કે આજે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો કયાંક છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, દીવ તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતના મોટા ભાગના 30-40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વરસાદની શક્યતાઓ છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે.  26 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.