હવામાન@ગુજરાત: 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ બોલાવી શકે છે ભૂક્કા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અન્ય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઈંચ વરસાદ નોંધાયો છે, આણંદના ઉમરેઠમાં 4.72 ઈંચ વરસાદ, મહિસાગરના કડાણામાં 4.33 ઈંચ વરસાદ, સંતરામપુરમાં 4.29 ઈંચ, શહેરામાં 4.13 ઈંચ, મોરવા હડફમાં 3.31 ઈંચ, બોરસદમાં 3.07 ઈંચ, નેત્રંગમાં 2.83 ઈંચ, ઈડરમાં 2.72 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 30 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.14 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.