હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 160 તાલુકાઓમાં વરસાદ, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં આહવામાં 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, વઘઈમાં 7.7 ઈંચ અને સુબીરમાં ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે.
આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.ગુજરાતમા ચોમાસાના પ્રાંરભે વરસેલા ભારે વરસાદને લઈને રાજ્યના 134 માર્ગો બંધ છે. જેમાં 10 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.
ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.રાજ્યમાં આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.